આપને જાણીને આશ્ચર્ય થશે માતા હરસિદ્ધિ એ ભગવાન શ્રીકૃષ્ણના કુળની દેવી છે. જેમનું સ્થાન જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગોધાવી મુકામે આવેલું છે. જેનું અનોખુ અને પૌરાણિક માહત્મ્ય છે. ડુંગર જેનું નામ કોયલા છે તેની ઉપર અને તળેટીમાં પણ માતા હર્ષદ ભવાનીનું મંદિર આવેલું છે. આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. તેમાંની એક કથા છે શંખાસૂર નામના રાક્ષસની..
બેટ દ્વારકામાં શંખાસૂર નામનો એક રાક્ષસ રહેતો હતો, જેનું વધ કરવા જતાં પહેલા ભગવાન શ્રીકૃષ્ણએ કોયલા ડુંગર ખાતે કુળદેવી મા હરસિદ્ધિની પૂજા કરી હતી. કૃષ્ણ ભગવાનની ભક્તિથી હરસિદ્ધિ માતા અહી પ્રસન્ન થયા. માતાજીએ કૃષ્ણ ભગવાનને સવાલ કર્યો કે તમે તો ખુદ જગતના નાથ છો.. ત્રિભુવનના નાથ છો.. ગોવર્ધન સુદર્શનધારી છો.. તમારે મારી ભક્તિ કરવાની શી જરૂર ? તમારે મને કેમ યાદ કરવી પડી ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ માતાજીને કહ્યું કે હે માતા દ્વારકામાં શંખાસૂર નામના રાક્ષસનો ઉપદ્રવ છે, લોકરક્ષા માટે તેનો વધ કરવા મારે તમારી મદદની જરૂર છે.
શ્રીકૃષ્ણની વિનંતીથી હરસિદ્ધિ માતાએ વચન આપ્યું અને કહ્યું કે જ્યારે તમે શંખાસૂરનો વધ કરવા જાઓ ત્યારે સમંદર કિનારે ઉભા રહીને જ મારું સ્મરણ કરજો, આપના એક સ્મરણથી જ હું ત્યાં હાજર થઇ જઇશ.
માતાજીના આશિર્વાદ મળતા જ છપ્પનકોટિ યાદવો અને શ્રીકૃષ્ણ કોયલા ડુંગર પહોંચ્યા અને માતાજીને યાદ કર્યા. જ્યાં માતાજીનું સ્થાપન પણ કર્યું. કોયલા ડુંગર પર ચઢવા માટે હાલ 400 જેટલા પગથિયા છે. જ્યાં માતાજીના દર્શનનો ભક્તોને અનેરો લાભ મળે છે.
માતા હરિસિદ્ધિની સ્થાપન કૃષ્ણ ભગવાને કોયલા ડુંગર પર કરી હતી તો પછી તેમનું સ્થાપન તળેટીમાં કેવી રીતે થયું તેના પાછળ પણ એક પૌરાણિક કથા છે.
લોકવાયકા એવી છે કે દરિયામાં જ્યારે વેપારીઓ વેપાર અર્થે જતાં ત્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સામે એક શ્રીફળ પધરાવીને પોતાની સુખદ મુસાફરીની માતાજી પાસે મનોકામના કરતા. આવું કરનાર તમામ મુસાફર વેપારીઓની મુસાફરી નિર્વિઘ્ને પાર પડતી.
ત્યારે એક સમયે જગડુશા નામનો કચ્છનો વેપારી પોતાના સાત વહાણો લઇને કોયલા ડુંગર પાસેના સમંદરમાં પસાર થયો પરંતુ તેણે માતાને ચઢાવા રૂપે શ્રીફળ ન ધર્યું, જેથી આગળ જઇને તેના છ વહાણો ડૂબી ગયા.
પોતાનું સાતમું વહાણ બચાવી લેવા માટે જગડુશા શેઠે માતા હરસિદ્ધિને ભાવભરી પ્રાર્થના કરી. જેનાથી પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું.
જગડુશાએ વરદાન માગતા કહ્યું માતાજી આપ ડુંગરથી નીચે આવીને બિરાજમાન થાવ, અને એવું વરદાન આપો કે આજ પછી કોઇનાય વહાણ અહીં ડૂબે નહીં. માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગથિયે બલિ ચઢાવે તો હું તારી મનોકામના પૂરી કરીશ.
જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક પશુની બલિ ચઢાવી. પરંતુ છેલ્લા ચાર પગથિયા બાકી રહી જતા તેમણે પોતાના દિકરા, બે પત્નીની બલિ ચઢાવી. અને છેલ્લા પગથિયે ખુદનો બલિદાન આપ્યો.
આખરે માતાજી જગડુશાની ભક્તિથી પ્રશન્ન થયા અને પશુઓ સહિત જગડુશાના તમામ પરિવારને સજીવન કર્યા. ત્યારબાદ જગડુશાએ હરસિદ્ધિ માતાનું બીજું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું જ્યાં માતાની સ્થાપના કરી.
આજે પણ કોયલા ડુંગરવાળી હરસિદ્ધિ માતાના દર્શન કરવા લાખો ભક્તો આવે છે, બંને મંદિરોનું આગવું માહત્મ્ય છે. ભક્તો દૂરદૂરથી માતાના દર્શન કાજે આવે છે અને તેમના દર્શન માત્રથી પવિત્રતા અનુભવે છે.
જો આપને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો.. અને જો આપ ઇચ્છતા હોવ કે અમે ઉજ્જૈનની નગરીમાં બિરાજમાન, કડા, જિલોસણ, અને લાડોલની સિદ્ધેશ્વરી માતાની આવા રસપ્રદ લેખ લખીએ તો કમેન્ટમાં અમને ચોક્કસ લખશો..
બોલો હરસિદ્ધિ માતાની જય…
