Home COVER STORY હાર્દિકે છોડ્યો કોંગ્રેસનો ‘હાથ’, ચોતરફથી વરસી ફીટકાર

હાર્દિકે છોડ્યો કોંગ્રેસનો ‘હાથ’, ચોતરફથી વરસી ફીટકાર

તકવાદી હાર્દિક પટેલ, સત્તા અને પદ ભૂખ્યો હાર્દિક પટેલ..હાર્દિક માટે હવે આવા જ શબ્દો પ્રચલિત બન્યા છે. કેમકે પાટીદાર અનામત આંદોલનની સીઢીઓથી નેતાગીરીના નેજા સુધી પહોંચેલા હાર્દિક પટેલને સત્તામાં આવવું હતું..પરંતુ તેને કોંગ્રેસમાં સત્તા નથી દેખાઇ રહી, જેને કારણે તેણે કોંગ્રેસનો હાથ પણ છોડી દીધો.

0

1161 દિવસ અને હાર્દિકનો કોંગ્રેસમાંથી મોહભંગ

12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસનો જોડાયેલા હાર્દિક પટેલે 3 વર્ષ 2 મહિના અને 6 દિવસના ટુંકા ગાળામાં જ પક્ષને અલવિદા કહી દીધું છે.
હાર્દિકે ટ્વીટર પર સોનિયા ગાંધીને સંબોધીને પોતાનું રાજીનામુ પોસ્ટ કર્યું અને રાજીનામામાં નારાજગીના કારણો પણ જણાવ્યા. હાર્દિકના નારાજીનામાને લઇને માત્ર ગુજરાત નહીં પરંતુ દેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કોઇ હાર્દિક પટેલને તકવાદી ગણાવી રહ્યું છે, તો કોઇ સત્તા લાલસુ ગણાવી રહ્યું છે. જે કોંગ્રેસે હસતા હસતા હાર્દિકને પક્ષમાં સામેલ કર્યો હતો, પોતાની સાથે મંચ પર સ્થાન આપ્યું હતું હવે તે નેતાઓ જ હવે હાર્દિક પર પ્રહાર કરી રહ્યા છે.

આંદોલનથી ઉપર આવ્યો હાર્દિક

રઘુ શર્માએ કહ્યું તે પ્રમાણે હાર્દિક પટેલ આંદોલનથી ઉપર આવેલો ચહેરો છે.

2013માં આંદોલનો કરીને હાર્દિકે પ્રસિદ્ધિ મેળવી. 2015માં પાટિદાર અનામત આંદોલન શરૂ કર્યું જેમાં હાર્દિક પટેલ મુખ્ય ચહેરો હતો. આંદોલન દરમિયાન તેણે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આંદોલન સ્થળ જીએમડીસી ખાતે આવવા હાકલ કરી હતી. સરકાર વિરુદ્ધ તેણે બાંયો ચડાવી હતી. જેને પગલે કોંગ્રેસે પણ તક જોઇને હાર્દિકને પોતાના પક્ષમાં ખેંચી લીધો. અને હાર્દિક પટેલનું વિધિવત રાજકારણમાં આગમન થયું. જીએમડીસી ખાતે ભેગી થયેલી ભીડને જોઇને હાર્દિકને એવું લાગ્યું હતું કે તે ગુજરાતના તમામ પાટીદારો તેની પડખે છે, એટલે તે કોંગ્રેસમાં સામેલ થઇને ગુજરાતમાં ભાજપને ઉથલાવી દેશે અને કોંગ્રેસને વિજય બનાવશે, અને પોતે કોઇ મંત્રી બની જશે. પરંતુ તેની પર થયેલા કેસોને લીધે હાર્દિક પટેલ 2017ની ચૂંટણી ન લડી શક્યો. સમયાંતરે હાર્દિકને એવું પણ લાગ્યુ કે તે કોંગ્રેસમાં હાંસિયામાં ધકેલાઇ ગયો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, અને હાર્દિકને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે કોંગ્રેસ ભાજપને હરાવી શકે તેમ નથી, અને જો કોંગ્રેસ હારશે તો હાર્દિકને કોઇ સત્તા સાંપડશે નહીં, એટલે ચૂંટણી પહેલા હાર્દિક પટેલે કોંગ્રેસને ઝાકારો આપી દીધો.

કોંગ્રેસ છોડતા જ હાર્દિકે કોંગ્રેસ પર ધારદાર પ્રહારો કર્યા એટલું જ નહીં પોતાના રાજીનામામાં હાર્દિકે કોંગ્રેસની અનેક પોલ ખોલી નાખી..

હાર્દિકે કહ્યું ગુજરાત કોંગ્રેસ દિલ્હીથી આવેલા નેતાઓને ચિકન સેન્ડવીચ મળી કે નહીં તેના માટે ચિંતિત હોય છે. કોંગ્રેસમાં નેતૃત્વ અને સંગઠનનો અભાવ છે. કોંગ્રેસે યુવાનોનો વિશ્વાસ તોડ્યો છે. દેશને વિરોધની રાજનીતિ નહીં પરંતુ યોગ્ય વિકલ્પ જોઇએ. કોંગ્રેસે ગુજરાતની જનતાના મુદ્દાઓને નબળા કર્યા છે માટે હું કોંગ્રેસનો સાથ છોડી રહ્યો છું.

હાર્દિકના આ નિર્ણયથી કોંગ્રેસ પણ બેબાકળી બની ગઇ છે અને કોંગ્રેસ નેતાઓ પણ હાર્દિકને અરિસો દેખાડવામાં લાગી ગયા છે.

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે હાર્દિકનો આ નિર્ણય ખૂબ જ આશ્ચર્યજનક છે.

મનોજ પનારાએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાજપમાં જવા માટે હાર્દિકનું આ કેટલાય મહિનાથી ચાલતું ષડયંત્ર હતું.

અટકળો એવી પણ વહેતી થઇ છે કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ રહ્યા છે, જેને લઇને વરૂણ પટેલે ટ્વીટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે ભાજપનો કાર્યકર હાર્દિકને ક્યારેય ભાજપમાં આવકારશે નહીં.

અત્યાર સુધી ભાજપ કહેતું હતું પરંતુ હવે તો કોંગ્રેસના નેતાઓ પણ કહે છે હાર્દિક પટેલ સત્તા લાલસુ છે, સત્તા, પદ અને તક જોઇને જ તે કોઇની સાથે જોડાય છે. ત્યારે હવે તે કયા પક્ષમાં જોડાશે તે એક પ્રશ્ન છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version